Gujarat24  /  Religion  /  

નાસિકમાં આગામી વર્ષે યોજાનારા કુંભમેળાની તારીખ જાહેર થતાં તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે પહેલું શાહી સ્નાન

મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તુરખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી.

નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડ્યૂલની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં તમામ 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો. 31મી ઓક્ટોબર 2026ના રોજ ત્ર્યંબકેશ્વર અને નાસિક બંન્ને જગ્યાએ ધ્વજારોહમ સાથે સિંહસ્થ કુંભમેળાના પર્વની શરૂઆત થયેલી ગણાશે. જોકે, પહેલું અમૃત સ્નાન બીજી ઓગસ્ટ 2027, બીજું અમૃત સ્નાન 31મી ઓગસ્ટ 2027 અને ત્રીજું અમૃતસ્નાન 12મી સપ્ટેમ્બર 2027ના રોજ યોજાશે. એ પછી 24મી જુલાઈ 2028ના રોજ ધ્વજ ઉતારવાની વિધિ સાથે કુંભમેળાનું સમાપન થયેલું ગણાશે.

દર બાર વર્ષે સિંહસ્થ કુંભમેળો યોજાય છે. આ વળતરના કુંભ મેળા માટે ત્ર્યંબકેશ્વર અને નાસિકમાં તડામાર તૈયારી ચાલી રહી છે. સિંહસ્થ કુંભને લગતી કામગીરી માટે અત્યાર સુધીમાં ચાર હજાર કરોડના ટેન્ડરો ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધુ બે હજાર કરોડના ટેન્ડરોની ફાળવણી કરવામાં આવશે. આ પહેલાં 2015-16માં નાસિક-ત્ર્યંબકેશ્વર ખાતે સિંહસ્થ કુંભમેળો યોજાયો હતો. દેશમાં નાસિક-ત્ર્યંબકેશ્વર ઉપરાંત પ્રયાગરાજ, ઉજ્જૈન તથા હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન થાય છે. પ્રયાગ અને હરિદ્વારમાં દર 6 વર્ષે અર્ધકુંભ પણ યોજાય છે.