S400 Air Defence System: છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારત પાકિસ્તાનને ઘમરોળતું રાભર દરહ્યું હતું. એ પછી પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં ભારતના હુમલાને એ પકડી ન શક્યું અને ભારતે આંતકવાદીઓના 9 અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો. એ પછી ગુરુવારે ભારતે પાકિસ્તાનની લાહોર ખાતેની એર ડિફેન્સ સિસ્ટમનો જ ભુક્કો બોલાવી દીધો હતો. આજકાલ બહુ ચર્ચામાં રહેતી આ એર ડિફેન્સ સિસ્ટમ શું છે અને એ કઈ રીતે કામ કરે છે?
ભારતના આ જંગમાં જ નહીં હમાસે ઇઝરાયેલ પર રાતોરાત છોડેલા સેંકડો રોકેટ હુમલાઓ વખતે પણ એ સિસ્ટમ સફળ રહી હતી. મતલબ કે એર ડિફેન્સ સિસ્ટમ એ કોઈ પણ દેશની સુરક્ષા માટે મહત્ત્વની છે. દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આ સિસ્ટમનો ફાળો મહત્ત્વનો રહે છે. વાસ્તવમાં એર ડિફેન્સ સિસ્ટમ એક એવું છત્ર છે, જે દુશ્મનના મિસાઈલ કે ફાઈટર જેટને પકડીને તેના ઉપર હુમલો કરી આકાશમાં જ તેનો નાશ કરી દેશને બચાવી લે છે. મતલબ કે એર ડિફેન્સ સિસ્ટમનું સબળ છત્ર દેશને દુશ્મનના હુમલાથી બચાવી લે છે. એમાં એવી તે શી કરામત હોય છે કે દુશ્મનના હુમલાઓ તે ખાળી શકે છે ?
ભારતની એર ડિફેન્સ સિસ્ટમમાં શું છે?
પાકિસ્તાન સાથે ચાલતા હાલના સંઘર્ષમાં ભારતની એક ડિફેન્સ સિસ્ટમે જ પાકિસ્તાનના હુમલાથી બચાવ્યું છે. ભારત પાસે રશિયાની S 400 સિસ્ટમ છે. આ સિસ્ટમ જમીનથી હવામાં હુમલો કરી શકે એવી મિસાઇલો દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલો અથવા વિમાનોને લાંબા અંતરથી, થોડા સો કિલોમીટર સુધી તોડી પાડે છે. મધ્યમ-અંતરના SAMs 50-100 કિલોમીટરની રેન્જમાં લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત MANPADS નો ઉપયોગ નીચાણવાળા લક્ષ્યો જેમ કે ફરતા હેલિકોપ્ટર અથવા ડ્રોન, અથવા જમીન પર હુમલો કરતા ફિક્સ્ડ-વિંગ એરક્રાફટ સામે થાય છે. આ અન્ય વર્ગો કરતાં ઘણી વધુસસ્તી છે અને તેનો ઉપયોગ ફક્ત લશ્કર દ્વારા જ નહીં પરંતુ આતંકવાદી જૂથો પણ તેનો અપરંપરાગત યુદ્ધમાં વ્યાપક ઉપયોગ કરે છે. ભારતના જમીનથી હવામાં હુમલો કરી શકે એવી મિસાઇલોના શસ્ત્રાગારમાં સ્વદેશી રીતે વિકસિત મધ્યમ-અંતરની આકાશ મિસાઇલો, મધ્યમથી લાંબા અંતરની બરાક મિસાઇલો અને લાંબા અંતરની S-400 મિસાઇલોનો સમાવેશ થાય છે.
એર ડિફેન્સ સિસ્ટમ આ રીતે કામ કરે છે?
સાદા શબ્દોમાં સમજીએ તો એર ડિફેન્સ સિસ્ટમ એટલે પહેલાં તો દુશ્મનના હુમલાને ઓળખવા, તેનું સ્થાન નક્કી કરવું અને તેના પર હુમલો કરીને તેનો નાશ કરવાનું કામ. આ દૃષ્ટિએ જોઈએ તો એર ડિફેન્સ સિસ્ટમને આ ત્રણ કામોમાં વહેંચી શકાય છે. એ મુજબ પહેલું કામ દેશ ભણી આવતા જોખમોને ઓળખવાનું છે. અત્યારની સ્થિતિમાં સમજીએ તો પાકિસ્તાન ભારત પર હુમલો કરવા માટે મિસાઇલ કે ડ્રોન છોડે કે ફાઇટર મોકલે તો આપણી એર ડિફેન્સ સિસ્ટમ તે છોડવામાં આવે ત્યારથી ઓછામાં ઓછા સમયમાં તેને ઓળખી કાઢે છે. સામાન્ય રીતે એ ઓળખનું કામ એર ડિફેન્સ સિસ્ટમમાં રાખેલું રડાર કરતું હોય છે. ક્યારેક રડારને બદલે ઉપગ્રહો પણ કરતા હોય છે. ખાસ કરીને દુશ્મન જ્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરે તો એની ઓળખ કરવાનું કામ ઉપગ્રહ કરી શકે છે.