Gujarat24  /  India  /  

દેશમાં ચોમાસાની શરૂઆત પહેલાં ઓડીશામાં વીજળી પડતાં 10, દીલ્હીમાં દિવાલ ધરાશાયી થતાં 4નાં મોત

દેશમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઓડિશા અને દિલ્હીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે. ઓડિશામાં વાવાઝોડાં વચ્ચે વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 6 મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધૂળભરી આંધી અને તીવ્ર પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે કેટલી જગ્યાઓ વૃક્ષો પડી ગયા હતા. નબી કરીમ વિસ્તારમાં બાંધકામ હેઠળના મકાનની એક દિવાલ પડતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ઓડીશા સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં શુક્વારે નોરવેસ્ટર તોફાન આવ્યું હતું, જેને જોતા રાજ્યના 7 જિલ્લામાં આંધી-વરસાદ અને વીજળી પડવાની એલર્ટ જાહેર કરાઈ હતી. અનેક જિલ્લામાં વીજળી પડતાં ત્રણ બાળકો અને 6 મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. કોરાપુટ જિલ્લાના પારિદિગગુડા ગામમાં એક ઝુંપડી પર આકાશીય વીજળી પડી હતી. જેથી એક વૃદ્ધ મહિલા અને તેની પૌત્રી સહિત 3 લોકોનાં મોત થયા હતા અને અન્ય પાંચને ગંભીર ઈજા પહોંચી હતી. આ સિવાય અન્ય ઘટનાઓમાં વીજળી પડતા બે બાળકો સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં હતા.

દિલ્હી-એનસીઆરમાં શનિવારે બપોરે તીવ્ર પવન ફુંકાવા સાથે મૂશળધાર વર્સાદ થયો હતો, જેના કારણે શહેરીજનોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે, વરસાદ અને આંધીના કારણે દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વ્રુક્ષો પડી ગયા હતા. નબી કરીમ વિસ્તારના અરકાંશા માર્ગ પર બાંધકામ હેઠળના એક મકાનની દિવાલ પડી જતાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. આ સિવાય તીવ્ર પવન ફૂંકાવાના કારણે ન્યૂ અશોક નગર આરઆરટીએસ મેટ્રો સ્ટેશનની છત ઊડી ગઈ હતી અને મેટ્રો સ્ટેશનને ભારે નુકશાન થયું હતું.

દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા ત્યાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીના કારણે એલર્ટ જાહેર કરવી પડી હતી. ઉત્તર પ્રદેશમાં ઉનાળાની ભીષણ ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે. સતત વધતા તાપમાનને કારણે યોગી સરકારે હીટવેવ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને સ્વાસ્થય વિભાગને એલર્ટ પર રહેવા અને લોકોને દરેક સ્તર પર સાવધ રહેવા સલાહ આપી છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સે.ને પાર થઈ ગયું હતું. બાંદામાં સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ હતું.