Jyoti Malhotra Youtuber: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી સાથેની મુલાકાતના સંદર્ભમાં જ્યોતિ મલ્હોત્રાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાન હાઈ કમિશનમાં તહેનાત પાકિસ્તાની કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશએ જ્યોતિ મલ્હોત્રાને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને યુટ્યુબરે તેની સાથે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. બાદમાં દાનિશ અને તેના મિત્ર અલી એહસાને જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIO) સાથે કરાવ્યો હતો.
જ્યોતિએ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એન્ક્રિપ્ટેડ એપ્સ પર ‘જટ્ટ રંધાવા’ નામથી સેવ કરેલા પીઆઈઓ શાકિર ઉર્ફે રાણા શાહબાઝ સાથે વાતચીત કરી હતી. જ્યોતિ પર ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 152 અને સત્તાવાર ગુપ્તતા અધિનિયમ, 1923ની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની લેખિત કબૂલાત લેવામાં આવી છે અને કેસ હિસારની આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ ભારતમાં રહીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો હતો. આ બેઠકને ગંભીર માનીને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. કોર્ટમાં હાજર થયા બાદ, પોલીસને હવે પાંચ દિવસનો સમય મળ્યો છે જેથી તેઓ જ્યોતિ મલ્હોત્રાની આ મુલાકાત અને વાતચીત વિશે વિગતવાર પૂછપરછ કરી શકે.