Gujarat24  /  India  /  

પાકિસ્તાન સુધરશે નહીં અલ્લાહ તેની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીં તો.., ઓવૈસીની હજ યાત્રીઓને અપીલ

પહેલગામ હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરાવ્યો હતો અને પછી ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ભૂંડા હાલ કરી નાંખ્યા છે અને હુમલાનો બદલો લીધો છે. આ હુમલા અંગે હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાની ષડયંત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું. ત્યારે ફરી એકવાર ઓવૈસીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે.

ઓવૈસીએ શુક્રવારે સાંજે હૈદરાબાદના નામપલ્લીમાં હજ હાઉસ ખાતે હજ યાત્રાળુઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે હજ યાત્રીઓને પાકિસ્તાન અંગે ખાસ અપીલ કરી કહ્યું કે, આપણો પાડોશી દેશ પાકિસ્તાન સુધરવાનો નથી. તમે હજ માટે જઈ રહ્યા છો, અલ્લાહ તેમની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો. નહિંતર, જ્યારે ફરીથી સમય આવશે, ત્યારે તેમને વધુ સીધા કરવા પડશે.

ઓવૈસીએ હજ યાત્રાળુઓને આ યાત્રાને માત્ર ઔપચારિક યાત્રા તરીકે નહીં પરંતુ ધીરજ, કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરપૂર ઊંડા આધ્યાત્મિક અનુભવ તરીકે જોવા વિનંતી કરી હતી. ઓવૈસીએ ભાર મૂક્યો કે હજ એક ભૌતિક યાત્રા કરતાં વધુ છે; આ એક આધ્યાત્મિક કસોટી છે જ્યાં ધીરજ, બલિદાન અને ભાઈચારો જેવા ગુણોનો અભ્યાસ કરવો જ જોઇએ.

ભારતીય જનતા પાર્ટીના કેરળના વડા રાજીવ ચંદ્રશેખરે પાકિસ્તાન સાથેના તણાવ દરમિયાન સરકારને ટેકો આપવા બદલ કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીની પ્રશંસા કરી અને કહ્યું કે તે બંને દેશભક્ત હોઈ શકે છે પરંતુ ભાજપના વિરોધીઓ છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, AIMIM ચીફ ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ થરૂર સાથે ઘણા વૈચારિક મતભેદો હોવા છતાં, મને ખુશી છે કે જ્યારે દેશ સંકટમાં હતો, ત્યારે તેમણે રાજકારણને બદલે દેશની સાથે ઉભા રહેવાનું પસંદ કર્યું. દરમિયાન, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંગે વિશ્વને માહિતી આપવાની યોજના બનાવી છે.

મહત્ત્વનું છે કે, કેન્દ્ર સરકાર 22 કે 23 મેથી 10 દિવસ માટે તમામ પક્ષોના પસંદગીના સાંસદોને વિદેશ પ્રવાસ પર મોકલી રહી છે. દરેક સાંસદ સાથે વિદેશ મંત્રાલયનો એક પ્રતિનિધિ પણ હાજર રહેશે. આ સાંસદો અમેરિકા, યુકે, દક્ષિણ આફ્રિકા, કતાર અને યુએઈ જશે અને ત્યાંની સરકારોને આતંકવાદ પર ભારતનું વલણ જણાવશે.