Gujarat24  /  Gujarat  /  Rajkot  /  

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે MLA ડો.દર્શીતાબેન શાહે કલેક્ટર સમક્ષ કરી માંગ, મેયર વાતમાં સૂર પુરાવ્યો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાના કારણે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આગામી વર્ષમાં જન્માક્ષ્મીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર ખસેડવા માટે ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહએ કલેકટર સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મેયર નયનાબેન પેઢડીયાએ પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનના બદલે અન્યત્ર યોજવો જોઈએ તેવી આ માંગણી દરખાસ્તને ટેકો આપતો સુર પુરાવ્યો હતો.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મેં માસની ફરિયાદ તથા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના મોકડા વોકળા પરના દબાણ, જર્જરિત બિલ્ડીંગો ડીસમેન્ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય દર્શિતાબેન શાહે લોકમેળાનું સ્થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ડિટેઈન કરવા, રાજકોટ શહેરમાં આઈ.ટી. પાર્ક બનાવવા અંગે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા, વોટસન મ્યુઝિયમના રીનોવેશન વગેરે બાબતો અંગેની રજૂઆત કરી હતી. પદ્મકુંવરબા હોસ્પિટલના કેમ્પસની સફાઈ અને એમ. એસ.એમ.ઈ. વિભાગ અંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા કલેક્ટર પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર એન. કે. મુછારે કર્યું હતું.