Gujarat24  /  Gujarat  /  Rajkot  /  

રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ઘેરી લીધો

રાજકોટ નજીક શાપર વેરાવળમાં ગત રાત્રિના 7 વર્ષના માસુમ બાળકને રખડું અને હિંસક કુતરાઓએ ઘેરી લઈને અસંખ્ય બટકાં ભરીને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતું હતું ત્યારે કૂતરાએ તેને ઘેરી લીધું હતું. આ પછી કૂતરાએ બટકા ભરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. જ્યાં તેનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર શાપર-વેરાવળમાં કારખાનાની ઓરડીમાં રહેતા અને મજુરીકામ કરતા મૂળ ઉત્તાર પ્રદે શના અજીત ભાઈ જાદવનો 7 વર્ષનો પુત્ર આયુષ ગઈકાલે રાત્રિના કારખાના પાછળ ખુલ્લા પ્લોટમાં નિર્દોષતાથી રમતો હતો. ત્યારે પાંચ-છ કૂતરાઓ ત્યાં ધસી આવ્યા હતા અને બાળકને ઘેરી લઈને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે બેફામ બટકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને રાજકોટ સિવિલમાં ખસેડતા બાળકને મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કૂતરા કરડવાની ઘટનામાં વધારો થયો છે. જેમાં વર્ષ 2022-23માં 10,374 લોકોને અને વર્ષ 2023-24માં આશરે 20 ટકા વધારા સાથે 12,156 લોકોએ કુતરા કરડ્યા ઈન્જેક્શનો લીધા હતા.