રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME માટે સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીમાં કુલ 1.30 લાખ કરતાં વધુ એકમોને રૂપિયા 7,864 કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. રાજ્યમાં અંદાજે 89 હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને 59 હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય દ્વારા જે પહેલા ‘ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ’ તરીકે ઓળખાતું હતું તેની જગ્યાએ ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ’ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર્ષ 2020-21થી વર્ષ 2024-25 સુધીમાં રાજ્યમાં 23.79 લાખ કરતાં વધુ એકમોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા તેમજ સમગ્ર રાજ્યમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓકટોબર-2023માં ‘વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’-VGVD ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક વેચાણ અને નિકાસ માટે જિલ્લાવાર અનન્ય ઉત્પાદનોને ઓળખવા તેમજ મેપીંગ કરવા માટે ODOP સંબંધિત કુલ 26 ઉદ્યોગ ઉત્પાદનોને પસંદ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ગુણવત્તાયુક્ત વૃદ્ધિમાં સુધારો કરવા, સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને જાગૃતિ ફેલાવવા માટે તમામ જિલ્લાઓમાં ‘ગુણવત્તા યાત્રા’નું આયોજન તારીખ 5 એપ્રિલથી તારીખ 29 મે, 2025 દરમિયાન કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીમાં રાજ્યના 18 જિલ્લાઓમાં સંપન્ન થઇ ચૂકી છે.
નવી ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ મેન્યુફેકચરીંગ MSME સેકટરને ઔધોગિક એસોસીએશન-ચેમ્બર્સ-ફેડરેશન દ્વારા યોજાતા એકઝીબીશનમાં ભાગ લેવા માટે વિવિધ સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સ્તરના એકઝીબીશનમાં ભાગ લેવા માટે 75 ટકાના ધોરણે મહત્તમ રૂપિયા 50 હજાર, રાષ્ટ્રીય સ્તરે મહત્તમ રૂપિયા 1 લાખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે-ભારતની અંદર મહત્તમ રૂપિયા 2 લાખની સહાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે-ભારતની બહાર 60 ટકાના ધોરણે મહત્તમ રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ 852 અરજીઓ મંજૂર કરી રૂપિયા 5 કરોડની સહાય એકમોને ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ યોજના-2 હેઠળ ઓર્ગેનાઇઝરને પ્રદર્શનના સમયગાળા દરમિયાન પ્રદર્શનના વીજ વપરાશના 60 ટકા બિલ સહાય પણ આપવામાં આવે છે.
ગુજરાતમાં વિલંબિત ચૂકવણી માટે માત્ર એક કાઉન્સિલ હતી, જેથી કેસોના ઝડપી નિકાલ કરવા અને સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ કરવા માટે ગુજરાત સરકારે વર્ષ 2023-24માં નવી પાંચ અને તાજેતરમાં છઠ્ઠી કચ્છ એમ કુલ છ Regional MSEFC કાઉન્સિલની સ્થાપના કરી છે. આમ રાજ્યમાં કાર્યરત અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ MSEFC કાઉન્સિલ દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર, 2024 સુધીમાં 1,081 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં MSME હેઠળના ઉદ્યોગ સાહસિકોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસીડી, વ્યાજ સહાય જેવી વિવિધ સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 01 એપ્રિલ, 2024થી તારીખ 08 જાન્યુઆરી, 2025 સુધીમાં ઔદ્યોગિક નીતિ-2015 અન્વયે વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ 4,400થી વધુ ક્લેઈમ અરજીઓને રૂપિયા 137 કરોડથી વધારે સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ઔદ્યોગિક નીતિ-2020 અન્વયે કુલ 8,700થી વધુ ક્લેઈમ અરજીઓને રૂપિયા 345 કરોડથી વધારે સહાય તેમજ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇ-2022 અન્વયે વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ 2,400થી વધુ ક્લેઈમ અરજીઓને રૂપિયા 245 કરોડથી વધારે સહાય આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોના મૂડી રોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમ ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જે એકમોમાં પ્લાન્ટ, મશીનરી અને સાધનોમાં થયેલ મૂડીરોકાણ રૂપિયા 2.5 કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂપિયા 10 કરોડથી વધારે ન હોય તેવા સૂક્ષ્મ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તેવી જ રીતે જે એકમોના પ્લાન્ટ, મશીનરી અને સાધનોમાં થયેલ મૂડીરોકાણ રૂપિયા 25 કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂપિયા 100 કરોડથી વધારે ન હોય તેવા લઘુ એકમો તેમજ મૂડીરોકાણ રૂપિયા 125 કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂપિયા 500 કરોડથી વધારે ન હોય તેવા મધ્યમ એકમો તરીકે ઓળખાય છે.