Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની આઈ.ટી. કંપનીમાં સોફ્ટવેર ડેવલોપર છે. પિતા પેરલાઈઝડ હોવાથી ઘરે જ રહે છે અને માતા ફુલીબહેન ઘરકામ કરે છે. તારીખ 31ના રાતે મિત્રોને મળી 12 વાગ્યે આવીને આશિષ સુઈ ગયો હતો. મોડી રાતે બે વાગ્યાના અરસામાં ગરમી લાગતાં આશિષની ઊંઘ ઉડી ગઈ હતી. અચાનક જ માતાની ઝાંઝરનો અવાજ આવતાં બહાર જતાં તેના માતા ઘરના દરવાજાની સામે ગલીમાં નીચે બેઠેલાં હતાં.

પુત્ર આશિષને જોઈ માતા ફુલીબહેનની આંખમાં આંસુ આવી ગયા હતા. માતાની પાસે પચ્ચીસથી ત્રીસ વર્ષના બે શખ્સો ઉભા હતા. એક શખ્સે ફુલીબહેનને પાછળથી પકડી રાખ્યા હતા. જ્યારે બીજા શખ્સે ફુલીબહેનનું ગળું કાપી નાંખ્યું હતું અને છાતી, પેટ અને હાથમાં છરીથી ઈજા કરી હતી. માતાને બચાવવા આશિષે બન્ને શખ્સોને ઘરની દિવાલ બાજુ દબાવ્યા હતા.

સફેદ શર્ટ પહેરેલા શખ્સે આશિષને પેટમાં છરી મારી હતી. છરી મારીને બન્ને શખ્સો નાસી ગયા હતા. આશિષે પાડોશીઓને ઉઠાવી મદદ માગી હતી. વાડજ પોલીસે પુત્રની નજર સામે માતાની હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.