Ahmedabad News: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિક તરીકે પ્રસ્તાપિત કરવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓને 14થી 15 જેટલા બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે રાણા સરકાર ઉર્ફે મોહંમદ દિદારૂલ આલમ નામનો વ્યક્તિ નારોલ કેનાલ રોડ પર આવેલા બાગે કૌશર એપાર્ટમેન્ટમાં રહે છે. જે મુળ બાંગ્લાદેશી છે અને તે તેના ઘર નીચે મોબાઈલ શોપ અને મની ટ્રાન્સફરની દુકાન ધરાવે છે.
તેણે પોતાના નામના બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડને આધારે ભારતીય પાસપોર્ટ કઢાવ્યો છે. રાણા સરકાર અને રોબ્યુલ ઈસ્માઈલે નારોલમાં મણીયાર પેટ્રોલ પંપ પાસે આવેલા અલ કુરેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવતા સોયેબ કુરેશી (ઈન્દીરાનગર, નારોલ) સાથે મળીને પોતાના તેમજ અન્ય બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજ બનાવીને પાસપોર્ટ કઢાવ્યા છે.
જે બાતમીને આધારે એટીએસના અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવીને રાણા સરકારના મોબાઈલ શોપ પર દરોડો પાડયો ત્યારે વિવિધ ભારતીય દસ્તાવેજની સાથે બાંગ્લાદેશનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે રોબ્યુનલ ઇસ્લામ નામના બાંગ્લાદેશીએ અનેય ૧૪ જેટલા બાંગ્લાદેશીઓને લાવીને તેમના બોગસ આઇડી પ્રુફ સહિતના દસ્તાવેજ સોએબ મોહંમદ પાસે બનાવ્યા હતા. જેના આધારે પાસપોર્ટ ઇસ્યુ થયા હતા.